પ્રસ્તુત પુસ્તકમાં અઢી હજાર વર્ષનાં આક્રમણો મેં બતાવ્યાં છે. ધ્યાનથી વાંચનારને ખ્યાલ આવશે કે આપણે દેશ બહાર આક્રમણો કર્યાં જ નથી. અરે, સીમાપારથી ચઢી આવેલા આક્રાન્તાઓ ઉપર પ્રત્યાક્રમણ પણ કર્યાં નથી. કારણ કે આપણે કમજોર હતા. વર્ણવ્યવસ્થાના કારણે માત્ર ક્ષત્રિયો જ યુદ્ધ કરતા જે માત્ર એક ટકો જ યોદ્ધા પેદા કરતા. આ એક ટકો પણ અનેક રજવાડાંઓમાં વહેંચાયેલા અને પરસ્પરમાં લડતા રહેતા તેથી આક્રાન્તાને મજા પડતી. તે જીતતો અને બધું ધમરોળી નાખતો, મહમુદ ગઝનવીએ 17 વાર આક્રમણો કર્યાં. બિન્દાસ્ત આવે મંદિરો, મૂર્તિઓ તોડે, લૂંટે, સ્ત્રીઓને ગુલામ બનાવે અને બિન્દાસ્ત ચાલ્યો જાય. આપણે ન તો પ્રથમથી આક્રમણ કે ન પછીથી પ્રત્યાક્રમણ કર્યું. આ ઇતિહાસ સતત આજ સુધી ચાલ્યો આવે છે. સુરક્ષાનો સાચો ઉપાય પ્રથમ આક્રમણ છે. તે ન કરી શકાય તો પ્રત્યાક્રમણ છે. પણ આપણે બન્નેમાંથી એકે ન કર્યાં. અને માર ખાતા રહ્યા. માર ખાઈને પણ ‘મહાન’ હોવાની બાંગ પોકારતા રહ્યા. કારણ કે ફુગ્ગામાં હવા ભરે ને મોટો થાય તેમ આપણા ગુરુજનો આજ સુધી હવા ભરવાનું કામ કરે ભગવાન બન્યા છે. બસ, એક જ કામ કરો—ભરો હવા અને બનો મહાન, વાસ્તવિકતા જુદી જ છે. ઇતિહાસને ચાર ભાગમાં વહેંચી શકાય : 1. હિન્દુ પિરિયડ, 2. મુસ્લિમ પિરિયડ, 3. અંગ્રેજ પિરિયડ અને 4. આઝાદી પછીનો પિરિયડ.