ભારતીય ધર્મોમાં ત્યાગ ઉપર સર્વોચ્ચ ભાર મૂકવામાં આવ્યો છે. કેટલાક લોકો તો સર્વસ્વ ત્યાગનો આદર્શ લોકોને સમજાવતા રહે છે. સર્વસ્વ ત્યાગ એટલે ધનનો, પરિવારનો, પત્નીનો, સંપત્તિનો, સત્તાનો એમ સર્વસ્વ ત્યાગ કરનારને જ મોક્ષ મળે છે. આ બધાં સુખનાં કેન્દ્રો છે અને સુખેચ્છા મોક્ષમાર્ગની બાધક છે. કારણ કે સુખો પાપ કર્યા વિના મળતાં નથી. જેમ જેમ તમે વધુ ને વધુ સુખોની ઇચ્છા કરો તેમ તેમ તમારે વધુ ને વધુ પાપો કરવાં પડે. પાપ કર્યા વિના સુખોની સામગ્રી મળતી નથી અને ભોગવાતી પણ નથી. એટલે સુખત્યાગી જ ખરો ત્યાગી છે: આવી વાતો લોકોનાં મનમાં વારંવાર સમજાવાતી હોય છે. એના પરિણામે ઘણા લોકો ઘરબાર, પત્ની-પરિવાર સર્વસ્વ છોડીને ત્યાગી થઈ જતા હોય છે અને સર્વોચ્ચ પૂજ્યતા પણ પ્રાપ્ત કરતા હોય છે. ભારતમાં અધિકતમ ભિક્ષુકોની સંખ્યામાં ગરીબાઈની સાથે આવો ત્યાગનો આદર્શ પણ એક કારણ છે. લોકોને પરાવલંબી થઈને પારકે રસોડે જમવાની પ્રેરણા આપવા કરતાં પોતાના જ રસોડે પોતાના હકનું જમવાનો આદર્શ અપાયો હોત તો આ દેશમાં આટલા બધા ભિક્ષુકો ના થયા હોત. અસ્તુ. જરા ત્યાગનો વિચાર કરીએ.