વેદોની પાંચ આંગળીઓ માનવામાં આવે છે: 1. ઉપનિષદ, 2. ગીતા, 3. રામાયણ, 4. મહાભારત અને 5. ભાગવત. વેદો સીધેસીધા લોકો સુધી પહોંચતા નથી, પણ આ પાંચ ગ્રંથો દ્વારા લોકો સુધી પહોંચે છે. ઉપનિષદો જ્ઞાનપ્રધાન છે. ગીતા સર્વસારપ્રધાન છે. રામાયણ મર્યાદાપ્રધાન છે. મહાભારત વ્યવહારપ્રધાન છે, તો ભાગવત પ્રેમપ્રધાન છે. ધર્મ જ્યારે અધ્યાત્મપ્રધાન બને ત્યારે ઉપનિષદોથી સંતોષ થાય. ઉપનિષદો, બ્રહ્મને જ્ઞાનરૂપ માને છે. જ્ઞાન બુદ્ધિપ્રધાન લોકોનો વિષય બને છે. બુદ્ધિપ્રધાન લોકો હંમેશાં અલ્પમાત્રામાં જ હોય છે. તેથી ઉપનિષદોનો પ્રભાવ બહુ નાના સીમિત વર્ગ સુધી જ રહ્યો. વળી પાછો હિન્દુ પ્રજાના દુર્ભાગ્યે અધિકારવાદ નડ્યો. ઉપનિષદો વેદ છે અને વેદનો અધિકાર માત્ર બ્રાહ્મણોને જ છે આવો પ્રચંડવાદ પણ આવ્યો, જે હિન્દુ પ્રજાને બહુ નડ્યો. આ અધિકારવાદે ઘણા લોકોને અલગ કરી દીધા અથવા અલગ થઈ જવા પ્રેરણા આપી. વિશ્વના બધા મોટા ધર્મો પોતપોતાના બધા ધર્મગ્રંથો ઉપર સૌનો અધિકાર માને છે. એટલું જ તેને ફરજિયાત ભણાવવા માટે ધાર્મિક પાઠશાળાઓ પણ ખોલી છે. એક આપણે જ એવા છીએ જે આપણા મૂળ ગ્રંથને કોઈ જાણી ન લે તેના માટે સજ્જડ પ્રતિબંધ મૂકીએ છીએ. આવા સંકુચિત પ્રતિબંધોથી આપણને જ નુકસાન થયું, થઈ રહ્યું છે અને આગળ ભયંકર થવાનું છે. શું તમે મુસ્લિમોના મદરેસા જેવી આપણી કોઈ ધર્મબોધ કરાવનારી પાઠશાળા જોઈ જ્યાં અઢારે નાતનાં બાળકો ભણતાં હોય? પાઠશાળાનો વ્યાપ એક સીમિત વર્ગ પૂરતો જ પ્રતિબદ્ધ થઈ ગયો દેખાય છે.