જાતકો સેંકડોની સંખ્યામાં છે. કદાચ કેટલાક બુદ્ધના પરિનિર્વાણ પછી પણ લખાયાં હશે. તેની ઐતિહાસિકતા વિશે આગ્રહ રાખ્યા વિના તેની ઉપયોગિતા તરફ ધ્યાન આપવું જોઈએ. ઉપયોગિતાની દૃષ્ટિએ તે ઘર-ઘરની કથાઓ છે. મોટા ભાગનાં જાતકો જેતવનમાં, શ્રાવસ્તીનગરીમાં અને ભિક્ષુઓની સામે કહેવાયેલાં છે, જેમાં કામવાસનાની પ્રધાનતાની કથાઓ આવે છે. શ્રમણમાર્ગમાં બ્રહ્મચર્યની પ્રધાનતા છે અને ભિક્ષુઓની સંખ્યા હજારોની છે, એટલે આવા પ્રશ્નો અવારનવાર ઉત્પન્ન થતા રહે તે સ્વાભાવિક છે. બૌદ્ધ ધર્મ અને જાતક રચનારને ધન્યવાદ આપવા જોઈએ કે જે હતું અને જેવું હતું તેવું તેણે ખુલ્લા મનથી બતાવી દીધું છે. જે બૌદ્ધ ધર્મના ભિક્ષુઓને થયું તે બધા બ્રહ્મચારીવર્ગોમાં થતું હોય છે. પણ બધા આવી રીતે સ્પષ્ટ સ્વીકાર કરી શકતા નથી. પ્રથમ તો આવી ઘટનાઓને દબાવી દેવાય છે—જાણે કશું થયું જ નથી. આમ કરવાથી ઘટના તો દબાઈ જાય છે, પણ મૂળભૂત પ્રશ્ન દબાતો નથી, તે સળગતો રહે છે અને અવારનવાર ભડકો થઈને પ્રગટ થતો રહે છે. હું વર્ષોથી કહું છું કે આમાં ભિક્ષુઓ કે સાધુઓ દોષી નથી, પણ થિયરી દોષી છે. જ્યાં સુધી થિયરી સુધારવામાં નહીં આવે ત્યાં સુધી આવી ઘટનાઓ ઘટ્યા જ કરવાની.