પ્રવાસ દરમિયાન અમને સૌથી પ્રભાવિત કર્યા અમારા ગાઇડ શ્રી પાશાએ. પાશા મુસ્લિમ છે. તેને ઘણું જ્ઞાન છે અને સ્વભાવ મિલનસાર છે. એટલે અમારા પ્રવાસની સફળતાનું મોટું શ્રેય પાશાને છે. અમારો ડ્રાઇવર ઉમિત પણ મુસ્લિમ હતો. તે ફૂટડો યુવાન પણ બહુ ઓછું બોલે પરંતુ અમારી પ્રત્યેક ઇચ્છા પૂરી કરે. તેનું ડ્રાઇવિંગ ફરિયાદ વિનાનું હતું. બસમાં ગમે તેની ગમે તેવી વસ્તુ પડી હોય તોપણ તેને હાથ પણ ન લગાડે. અમારી પાણીની બોટલો પડી હોય પણ તે પોતાની બોટલ ખરીદીને જ પીએ. આ બન્ને સજ્જનો હતા અને તેમના સહકારથી અમારો પ્રવાસ સફળ થયો કહી શકાય.
ઇજિપ્તમાં જૂનાં ખંડેરો એટલાં બધાં ભવ્ય અને પ્રેરણાદાયી છે કે એક આખું પુસ્તક લખાય તોપણ થોડું પડે. મોટા ભાગે નાઇલ નદીના કિનારે-કિનારે વસેલી અને ફેલાયેલી આ પ્રાચીન સંસ્કૃતિનું નિર્માણ જોઈને તેને પ્રણામ કરવાનું મન થઈ જાય. સ્થપતિઓએ તો ઇજિપ્તનાં આ જૂનાં મંદિરો જરૂર જોવાં જોઈએ. ઇજિપ્ત ટર્કી જેવું સમૃદ્ધ રાજ્ય નથી. ગંદકીમાં તો કદાચ ભારત કરતાં પણ ચઢી જાય. તોપણ એકંદરે અમને સારું લાગ્યું. મિસ્રમાં માત્ર પિરામિડો જ જોવાના નથી, તે સિવાય પણ ઘણી વસ્તુઓ છે જે મહત્ત્વની છે. ખાસ કરીને નાઇલ નદીના કિનારે-કિનારે આસ્વાન બંધના લેક નાસીરથી કૈરો સુધી ઘણાં મંદિરો આવેલાં છે. જેમકે કોમઓમ્બો, ઈડફૂ, એસના, લુક્સર, સ્પેના, સોહાગ, એસ્સીઉત, મીન્યા, બેની સુએફ વગેરે. બધાં તો અમે જોઈ શક્યા નહિ પણ જે થોડાં ઘણાં જોયાં તે જોઈને જ છક્ક થઈ ગયા. આટલી પ્રાચીન અને આટલી ભવ્ય સંસ્કૃતિ બીજે ભાગ્યે જ હશે.